Type Here to Get Search Results !

ગોધરા MGVCL કચેરીનો અંધેર વહીવટ : જાહેર રજાના દિવસે અરજદારને બોલાવી કરાઈ હેરાનગતિ

 ગોધરા MGVCL કચેરીનો અંધેર વહીવટ : જાહેર રજાના દિવસે અરજદારને બોલાવી કરાઈ હેરાનગતિ

  • માહિતી પુરી પાડવાની જગ્યાએ અમોને માનસિક,શારિરીક અને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ કરવામાં આવશે : અરજદાર
  • માહિતી આપવામાં વિલંબનું કારણ શું? ભ્રષ્ટાચાર છુપાવવાની કોશિશ કરાઈ રહી છે?

તા. ૦૮ માર્ચ, ૨૦૨૩
ગોધરા

ગોધરા MGVCL કચેરી વધુ એક વખત ચર્ચાના જોરે ચઢી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા MGVCL કચેરી ખાતે અરજદાર દ્વારા RTI અંતર્ગત કેટલીક માહિતી માંગેલ હતી. જેને સમયમર્યાદા પૂર્ણ થઈ જવા છતા જાહેર માહિતી અધિકારીએ કોઈપણ પ્રકારનો જવાબ સુદ્ધા આપેલ ન હતો. જેથી અરજદારે કાયદા મુજબ પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરી માહિતી પુરી પાડવાનો હુકમ કરવા વિનંતી કરી હતી.

જેના સંદર્ભે પ્રથમ અપીલ અધિકારીએ તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પ્રથમ અપીલની સુનાવણી રાખેલ હતી. જેમાં અરજદાર અંગત કારણોસર સુનાવણીમાં હાજર ન રહી શકતા તેમને લેખિતમાં માહિતી આપવા અરજી કરી હતી.

તેમ છતા અપીલ અધિકારી શ્રી એન.એ.શાહ દ્વારા વધુ એકવાર પત્ર મોકલીને અરજદારને તા. ૦૮/૦૩/૨૦૨૩ ના રોજ બપોરે ૩ વાગ્યે અપીલની સુનાવણીમાં રુબરુ હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. તે મુજબ અરજદાર સમય પ્રમાણે MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ અરજદારને કચેરી ખાતે મોટું ખંભાતી તાળું લટકેલ જોવા મળ્યું હતું. અરજદારે ત્યાં હાજર ચોકીદારને પુછપરછ કરતા આજે જાહેર રજા હોય, તમામ અધિકારીઓ રજા પર છે અને બધી કચેરીઓ બંધ હોવાનું જણાવ્યું હતું.



પ્રથમ અપીલની સુનાવણીમાં હાજર રહેવું જરૂરી ન હોવા છતા હાજર રહેવા લેખિત ફરમાન કરવામાં આવે છે

માહિતી અધિકાર અધિનિયમમાં ક્યાંય પ્રથમ અપીલની સુનાવણીમાં ફરજિયાત હાજર રહેવા અંગે જોગવાઈ કરવામાં આવી નથી. તેમ છતાં પ્રથમ અપીલ અધિકારી દ્વારા રુબરુ હાજર રહેવા શા માટે ફરમાન કરવામાં આવે છે? તે ચર્ચાનો વિષય બન્યો છે. અરજદાર દ્વારા લેખિતમાં અરજી કરીને અપીલની વિગતો અને માહિતી આપવાની વિનંતી કરવામાં આવી હતી. ઉપલબ્ધ પુરાવાના આધારે માહિતી આપવાનો હુકમ કરવાની જગ્યાએ અપીલ અધિકારી દ્વારા રુબરુ સુનાવણીમાં બોલાવવાનો હઠાગ્રહ અચરજ પમાડે તેવો લાગે છે.

માહિતી પુરી ન પાડીને શું ઢાંકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે? ભ્રષ્ટાચારની આવતી ગંધ

અરજદાર દ્વારા કચેરીમાં ઉપ્લબ્ધ હોય તેવી માહિતી RTI દ્વારા માંગવામાં આવી છે. તેમ છતા ૩૦ દિવસ સુધી જવાબ સુદ્ધા ન આપવો અને અપીલ માટે બબ્બે મુદ્દતો પાડવામાં આવે છે. જે જોતા અધિકારીઓ ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરતા હોવાની શંકા અરજદારે સેવી છે. આખરે માહિતી આપવામાં આટલો વિલંબ કેમ? તે પ્રશ્ન ઉભો થયો છે.

પ્રથમ અપીલની સુનાવણીમાં ૦૮/૦૩/૨૩ ના રોજ (જાહેર રજાના દિવસે) અચુક હાજર રહેવાનો લેખિત પત્ર


ગુજરાત માહિતી આયોગ સમક્ષ દ્રિતીય અપીલ કરીશ : અરજદાર

આ અંગે અરજદારે ગુજરાત માહિતી આયોગ સમક્ષ નિયમાનુસાર દ્રિતીય અપીલ કરવાની તૈયારી દર્શાવી છે. અને વધુમાં જણાવ્યું છે કે, MGVCL ગોધરા કચેરી દ્વારા અમોને જાહેર રજાના દિવસે બોલાવીને માનસિક, આર્થિક અને શારિરીક ત્રાસ આપેલ છે. જે સમગ્ર બાબત માહિતી આયોગને જણાવવામાં આવશે. તેમજ અમો અનેક સામાજિક તેમજ અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ છીએ અને જરૂર પડ્યે અદાલતના દ્વારા પણ ખટખટાવવામાં આવશે તેમ અરજદારે જણાવ્યું હતું.

MGVCL કચેરીને લાગેલ તાળા


જાહેર રજાના દિવસે અપીલની સુનાવણી રાખવી એ અંધેર વહીવટનો નમુનો છે કે ત્રાસ આપવાની નવી પદ્ધતિ?

પ્રથમ અપીલ અધિકારી અને અધીક્ષક ઈજનેર શ્રી એન.એ.શાહ દ્વારા ૮ માર્ચે જાહેર રજા હોવા છતાં અરજદારને બીજી વાર અપીલની સુનાવણી અર્થે બોલવવા અંગે અનેક પ્રકારની ચર્ચાઓ શરુ થઈ છે. આ અંધેર વહીવટનો નમુનો છે? કે અરજદારને માનસિક, આર્થિક અને શારિરીક ત્રાસ આપવાની નવી પદ્ધતિ? અધીક્ષક ઈજનેર કક્ષાના અધિકારી આ પ્રકારનું વર્તન કરતા હોય તો તેમના તાબા હેઠળના કર્મચારીઓ પાસેથી પણ જનતાએ આવી જ આશા રાખવી? તેવી ચર્ચા શરુ થઈ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.