Type Here to Get Search Results !

ગોધરા - હમીરપુર રોડ પર ભ્રષ્ટાચારને છુપાવવા માટે ડામરના થીંગડા મારવામાં આવ્યા

ગોધરા - હમીરપુર રોડ પર ભ્રષ્ટાચારને છુપાવવા માટે ડામરના થીંગડા મારવામાં આવ્યા

ગોધરા
તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૩

ગોધરા નગરપાલિકા પર લાગતા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ વિરોધના વમળોમાં વલોવાતા જાય છે. એક પછી એક અનેક યોજનાઓ થકી થતાં કામોમાં ગોટાળા થતા જોવા મળે છે. તે ક્રમમાં ગોધરા નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા જ બનાવાયેલ મુન્ના વે - બ્રિજથી લઈ MET હાઈસ્કૂલ સુધીનો હમીરપુર રોડ બનાવવા કોન્ટ્રાક્ટ અપાયેલ હતો. જે રોડને જૂજ મહિના થયા હોવા છતાં રોડ પર ખાડા પડવા લાગ્યા હતા. તે જોતા જ સ્પષ્ટ માલૂમ થતું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને રોડ બનાવાયો છે. હવે આ ભ્રષ્ટાચારને છુપાવવા ડામરના થીંગડા મારવામાં આવી રહ્યા છે.

RCC રોડ પર ડામરનું આવરણ પથરાઈ રહ્યું હતું ત્યારની તસવીર 


વિકાસ ગાંડો થયો!! RCC રોડ પર ભ્રષ્ટાચારનો ઢાંકપિછોડો કરવા ડામર પાથરવામાં આવ્યો

હમણાં થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ મુન્ના વે - બ્રિજથી લઈ MET હાઈસ્કૂલ સુધીનો હમીરપુર રોડ ઉખડવા લાગતા RCC રોડ પર ડામરનું પડ પાથરવામાં આવી રહ્યું છે. એ જોતા જ સ્થાનિકોમાં વિકાસ ગાંડો થયો છે એવી ચર્ચાઓ થતી જોવા મળી રહી છે. ગોધરા નગરપાલિકા અવારનવાર આ પ્રકારના કાર્યો કરીને ચર્ચામાં આવતી હોય છે. પરંતુ આ વખતે જાણે હદ થઈ ગઈ હોય તેમ RCC રોડ પર ડામર પથરાઈ રહ્યો છે.

જાગૃત નાગરિક દ્વારા RTI મા વિગતો માંગતા જ ભ્રષ્ટાચાર સંતાડવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ ગોધરા શહેરના એક જાગૃત નાગરિક દ્વારા ઉપરોક્ત રોડ અંગેની વિગતો RTI દ્વારા માંગવામાં આવી છે. RTI માંગતા જ ભ્રષ્ટાચારને સંતાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ રોડ પર મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા સફાળા જાગી RCC રોડ પર ડામર રૂપી આવરણ પાથરવામાં આવી રહ્યું છે.



કોન્ટ્રાક્ટના નિયમો વિરુદ્ધ કામ થતું હોવા છતાં બીલો કઈ રીતે પાસ થાય છે??

ગોધરા શહેરમાં બનેલા અનેક રોડમાં નીતિ - નિયમો વિરુદ્ધ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને રોડ બનાવાતા હોય છે. છતાંય તેમનું બિલ કોઈપણ જાતની સ્થળ ચકાસણી કર્યા વિના જ પાસ કરી દેવામાં આવે છે? કે આ ભ્રષ્ટાચારમાં અધિકારીઓનો પણ હાથ હોય છે? આખરે કયા પરિબળો ભાગ ભજવે છે કે નિયમો વિરુદ્ધ કામ થવા છતાં બીલો પાસ કરી દેવામાં આવે છે.

સદર રોડની સાથે અન્ય રોડની પણ ગુણવત્તા ચકાસીને ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. તેમજ ભ્રષ્ટાચારમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ ભ્રષ્ટાચારમાં કોન્ટાક્ટર સાથે અધિકારીઓ અને કેટલાક પાલિકા સભ્યો પણ સામેલ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.